Description
પરંતુ આવા ઘોર આધ્યાત્મિક અંધકાર અને નિરાશાના સમયમાં જ્યારે માનવજાતિ દિશાહીન બને, ત્યારે જેમ કૃષ્ણ ભગવાને ‘સંભવામિ યુગે યુગે’ કહ્યું છે એમ કોઈ યુગપુરુષ જ્ઞાનનો દીપક લઈ માર્ગ ચીંધવા અવશ્ય પ્રગટ થાય છે. જાણે એ જ કુદરતી નિયમ અનુસાર, આશાનું એક નવું કિરણ પૃથ્વી પર અવતર્યું અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાનના (શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલના) સ્વરૂપમાં.
આ ગ્રંથ આપણને યુગપ્રવર્તક પરમ પૂજ્ય દાદા ભગવાનના (દાદાશ્રીના) જીવન, તેમને સ્વયંભૂ પ્રગટેલા અલૌકિક જ્ઞાન અને તેમની નિ:સ્વાર્થ જગત કલ્યાણની ભાવનાના ગહન સમુદ્રમાં ડૂબકી લગાવવાની અમૂલ્ય તક આપે છે.
ઈ.સ. 1958માં સુરત શહેરના રેલવે સ્ટેશને અનેક અવતારોના પુરુષાર્થ અને જગત કલ્યાણની ઉત્કૃષ્ટ ભાવનાના પરિણામે દાદાશ્રીને સ્વયંભૂ આત્મજ્ઞાન લાધ્યું. એક કલાકના એ દિવ્ય અનુભવમાં એમને બ્રહ્માંડના તમામ રહસ્યો હસ્તગત થયા, એમનો દેહભાવ સંપૂર્ણપણે છૂટ્યો અને તેઓ પોતે શાશ્વત, અવ્યાબાધ આનંદ સ્વરૂપ આત્મપદમાં સ્થિત થયા.
આ દિવ્ય આત્મજ્ઞાનની અનુભૂતિ થયા પછી દાદાશ્રીના હૃદયમાં જગતના જીવોના કલ્યાણ માટે અપાર કરુણા પ્રગટી ! તેમને એ તીવ્ર ભાવના થઈ કે જે સુખ હું પામ્યો તે આખું જગત પામો.
પણ તેમણે જોયું કે વર્તમાન દુષમકાળમાં લોકો ચિંતા, ઉપાધિ અને સાંસારિક તણાવથી ઘેરાયેલા છે. આવી પરિસ્થિતિમાં, તપ, ત્યાગ અને સાધના પર આધારિત પરંપરાગત ક્રમિક માર્ગે મોક્ષ પ્રાપ્ત કરવો અત્યંત દુષ્કર છે. આથી, જગત પર કરુણા કરીને દાદાશ્રીએ મોક્ષ પ્રાપ્તિ માટે ‘અક્રમ માર્ગ’ નામની એક અભૂતપૂર્વ અને અણમોલ ભેટ આપી. આ અક્રમ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી વ્યક્તિ ચિંતામુક્ત બને છે અને દાદાશ્રીએ આપેલ આજ્ઞાઓનું પાલન કરીને મોક્ષ માર્ગે સહેલાઈથી પ્રગતિ કરી શકે છે. અક્રમ માર્ગનો પ્રારંભ દાદાશ્રીએ ઋષભદેવ ભગવાન પાસે, ચોવીસેય તીર્થંકરોના શાસન દેવ-દેવીઓની આજ્ઞા મેળવીને કર્યો હતો. દાદાશ્રી કહેતા કે ‘આ અક્રમ વિજ્ઞાન આપ્યું છે, તો ઋષભદેવ ભગવાનની આજ્ઞાથી આપેલું છે અમે. એમની પરવાનગી વગર કશું કરીએ એવા નથી અમે.’
દાદાશ્રી સ્વયં તો કેટલાય અવતારો પૂર્વે જ મોક્ષપ્રાપ્તિના અધિકારી હતા. પરંતુ, તેમના હૃદયમાં ત્રણ તીવ્ર ભાવનાઓ હતી : આ જગતનું સંચાલન કેવી રીતે થાય છે તેનું યથાર્થ સ્વરૂપ જાણવું, સંસારની જવાબદારીઓ નિભાવતા સામાન્ય ગૃહસ્થીઓનો પણ મોક્ષ થવો જોઈએ અને સ્ત્રીઓને પણ મોક્ષ મળવો જોઈએ.
આ ઉમદા ભાવનાઓને કારણે, અનેક અવતારોની ગહન શોધખોળના ફળસ્વરૂપે, દાદાશ્રીએ સંસારમાં રહીને પણ મોક્ષ પામી શકાય એવું અદ્વિતીય ‘અક્રમ વિજ્ઞાન’ જગતને અર્પણ કર્યું. ‘વ્યવસ્થિત શક્તિ’ના અજાયબ જ્ઞાન દ્વારા તેમણે જગત સંચાલનનું વિજ્ઞાન સમજાવ્યું, કે જે જીવને કર્તાપણાના બોજમાંથી અને ભૂત-ભવિષ્યની ચિંતામાંથી મુક્ત કરે છે. દાદાશ્રીનું આ જ્ઞાન શાસ્ત્રોક્ત કે પરંપરાગત નથી, પણ સંપૂર્ણપણે અનુભવજન્ય, વૈજ્ઞાનિક અને મૌલિક છે.
અને દાદાશ્રીએ લોકો માટે અક્રમ માર્ગ દ્વારા મોક્ષ પામવા માટે કોઈ કઠોર શરતો ન રાખી. બસ બે જ સરળ શરતો; જ્ઞાની પુરુષ પ્રત્યે ‘પરમ વિનય’ અને આત્મા સંબંધી ‘હું કંઈ જાણતો નથી’ એવો નિર્મળ ભાવ. જે કોઈ આ બે શરતો સાથે શુદ્ધ હૃદયે આવે, તેને તેઓ માત્ર એક જ કલાકના વૈજ્ઞાનિક ‘જ્ઞાનવિધિ’ પ્રયોગ દ્વારા પોતાના શુદ્ધ આત્મસ્વરૂપનો રોકડો અનુભવ કરાવી દેતા. આ જ કારણ હતું કે જેમની પાસે જ્ઞાનીને પરખવાની ઝીણવટભરી દૃષ્ટિ નહોતી, એવા હજારો સામાન્ય લોકો પણ આ સંસારી વેશે વિચરતા જ્ઞાનીને ઓળખી શક્યા અને તેમના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક સમર્પિત થયા.
દાદાશ્રી આત્મજ્ઞાન થયા પછી સંપૂર્ણપણે દેહાતીત દશામાં વર્તતા હતા. તેમને કોઈની પાસે કોઈ પણ પ્રકારની કોઈ અપેક્ષા નહોતી કે નહોતી લોકો તેમને પૂજે એવી કામના. આ જ કારણે તેમણે પોતાના પહેરવેશમાં કોઈ બદલાવ કર્યો નહીં અને ગૃહસ્થ વેશે જ વિચરણ કરતા રહ્યા.
આવા પરમ જ્ઞાનીનું કોઈ પણ ટીલા-ટપકાં, ભગવા જેવા બાહ્ય ચિહ્નો વિના, કોટ-ટોપી-બૂટ જેવા સામાન્ય ગૃહસ્થ વેશમાં રહીને હજારો લોકો દ્વારા પૂજાવું, એ જ અધ્યાત્મ જગતનું ‘અસંયતિ પૂજા’ નામનું અગિયારમું આશ્ચર્ય છે.
દાદાશ્રીનું નિષ્પક્ષપાતીપણું અને અભેદ દૃષ્ટિ એવી અજોડ હતી કે દરેક ધર્મ, સંપ્રદાય ને જ્ઞાતિના લોકોએ તેમને સ્વીકાર્યા છે. તેઓ સાચા અર્થમાં ‘સંગમેશ્વર’ છે.
દાદાશ્રીની મહાનતા તો એ હતી કે તેઓ પોતાની જાતને ક્યારેય ‘ભગવાન’ તરીકે ઓળખાવતા નહીં. તેઓ તો એમ જ કહેતા કે હું તો ‘જ્ઞાની પુરુષ’ છું અને ‘દાદા ભગવાન’ તો મહીં જે પ્રગટ થયા તે છે. તેઓ પોતાને સર્વજ્ઞ દશા પ્રાપ્ત થવામાં ચાર ડિગ્રીની ઊણપ છે, એ વાતનો નિખાલસતાથી સ્વીકાર કરતા.
જ્યારે દાદાશ્રી સ્વયંને પ્રસંગોપાત્ત મહાદેવજી, રણછોડજી કે મહાવીર તરીકે ઓળખાવે છે, ત્યારે તે તેમના અહંકારનું પ્રતિબિંબ નથી, પરંતુ જીવોના કલ્યાણ માટેની અપાર કરુણા છે. તેમનો હેતુ તો એ જ હતો કે લોકો ‘જ્ઞાની પુરુષ’ના સાચા સ્વરૂપને સમજી શકે, તેમની યથાર્થ ઓળખાણ પામી શકે અને તે દ્વારા આધ્યાત્મિક માર્ગે પૂર્ણ લાભ પ્રાપ્ત કરી શકે.
દાદાશ્રીના સમગ્ર જીવનનો એકમાત્ર ધ્યેય હતો કે આખા જગતનું કલ્યાણ થાઓ. જે જ્ઞાન, જે સુખ પોતે પામ્યા તે આખું જગત પામે એ જ ભાવના એમની રગેરગમાં વહેતી હતી. આ ભાવનાની ફલશ્રુતિ રૂપે તેઓ પોતે વીતરાગ હોવા છતાંય દેશ-વિદેશ વિચરણ કરી જીવોને દુ:ખમુક્ત કરવા અને મોક્ષમાર્ગે વાળવા નિરંતર પ્રયત્નશીલ રહ્યા. તેમનો ઉદ્દેશ્ય કોઈ નવો પંથ સ્થાપવાનો કે માન-પ્રતિષ્ઠા મેળવવાનો નહોતો, પરંતુ કેવળ જીવમાત્ર પ્રત્યેની અત્યંત કરુણાથી પ્રેરાઈને તેમણે અંતિમ સમય સુધી જગત કલ્યાણનું કાર્ય અકર્તા ભાવે ચાલુ રાખ્યું હતું.
આ ગ્રંથ, દસ લાખ વર્ષે પ્રગટેલા એ અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીના જીવન, તેમના દ્વારા પ્રબોધાયેલ ક્રાંતિકારી ‘અક્રમ વિજ્ઞાન’ અને તેમની જગત કલ્યાણની અવિરત ભાવધારાને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે. તે વાચકને દાદાશ્રીના જ્ઞાનની ગહનતા, તેમની કારુણ્યતા અને અક્રમ માર્ગની અદ્ભુત સરળતાનો પરિચય કરાવશે.
આ ગ્રંથનું સંકલન દાદાશ્રીની પ્રસંગોપાત્ત નિમિત્ત આધીન નીકળેલ વાણીમાંથી કરવામાં આવ્યું છે. આથી, જો વાણીના પ્રવાહમાં ક્યાંય અસંગતિ કે ક્ષતિ જણાય, તો તે મૂળ વાણીનો દોષ ન સમજતા સંકલનની ખામી ગણી ક્ષમ્ય ગણશો.
દાદાશ્રીના જ શ્રીમુખે વહેલી જ્ઞાનવાણીમાંથી સંકલિત થયેલ આ ગ્રંથ સહુને જ્ઞાની પુરુષની વિશેષ ઓળખાણ થવામાં નિમિત્ત બને એ જ અંતરની અભિલાષા.