Description
પ્રસ્તુત પુસ્તક પરમ પૂજ્ય દાદાશ્રીની અમૃતવાણીનું સંકલન છે. આ પુસ્તકમાં દાદાશ્રીએ અત્યંત સરળ, સહજ અને દ્રષ્ટાંતયુક્ત શૈલીમાં અંત:કરણના આ ચારેય પાસાઓની ગહન છણાવટ કરી છે. સામાન્ય રીતે આપણે આ શબ્દોનો પ્રયોગ તો કરતા હોઈએ છીએ, પરંતુ તેમના વાસ્તવિક સ્વરૂપ, તેમની કાર્યપદ્ધતિ અને તેમની વચ્ચેની ભેદરેખાથી મોટાભાગે અજાણ હોઈએ છીએ.
પરમ પૂજ્ય દાદાશ્રી આ પુસ્તકમાં અંત:કરણના ચાર અંગોના ગૂઢ રહસ્યો, કે જેનો તાગ મેળવવા આજે પણ વિશ્વ પ્રયત્નશીલ છે તેને અત્યંત સહજતાથી ખોલે છે. આ ચારેય અંગોની આંતરિક કાર્યપ્રણાલી, તેમનું સ્વરૂપ ને દેહમાં સ્થાનની સચોટ માહિતી દાદાશ્રી આપે છે. વિશેષમાં, પ્રાણીઓ અને મનુષ્યોના અંત:કરણ વચ્ચેનો તફાવત, બાળકનું અંત:કરણ, મનુષ્યોમાં અંત:કરણનું ડેવલપમેન્ટ તેમજ અંત:કરણની શુદ્ધિ માટેના ઉપાયો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ જ્ઞાન વાચકને પોતાના આંતરિક સંઘર્ષોને સમજવામાં અને અંતત: સ્વ-સ્વરૂપની ઓળખ દ્વારા શાશ્વત શાંતિના અનુભવ તરફ દોરી જાય છે.
આ પુસ્તક માત્ર બૌદ્ધિક જિજ્ઞાસા સંતોષવા માટે નથી, પરંતુ આંતરિક રૂપાંતરણ માટેનું એક સશક્ત સાધન છે. આશા છે કે વાચકવૃંદ આ પુસ્તકનું ગંભીરતાપૂર્વક અધ્યયન અને મનન કરી, પોતાના અંત:કરણના ખેલને સમજી, તેનાથી પર એવા શુદ્ધાત્મા પદને પામવા તરફ પ્રયાણ કરશે.
આ વિષયની વધુ ઊંડાણપૂર્વકની અને વિસ્તૃત સમજ ‘આપ્તવાણી 10 (પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ)’ પુસ્તકમાંથી પ્રાપ્ત થઈ શકે, જે વાચકને ગહન અભ્યાસમાં અત્યંત સહાયક નીવડશે.
અત્રે નોંધનીય છે કે દાદાશ્રીના જુદા જુદા સત્સંગોમાં નીકળેલી વાણીનું અહીં સંકલન કરવામાં આવ્યું છે. દાદાશ્રીની વાણી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને નિમિત્તને આધીન, અપેક્ષાએ નીકળેલી છે. આથી સંકલનમાં જો કોઈ ક્ષતિ ભાસે, તો તે સંકલનકારની ખામી ગણી ક્ષમ્ય ગણશો. વાચકે વાણી વાંચી, આશય સમજી, જ્ઞાન પકડી પોતાની પ્રગતિ કરી લેવાની છે. તેમ છતાં જો કોઈ બાબત ન સમજાય તો પ્રત્યક્ષ જ્ઞાનીને પૂછીને સમાધાન મેળવી લેવું.