Description
મોક્ષમાર્ગ એટલે મુકિતનો માર્ગ, સંસારી બંધનોથી મુક્ત થવાનો માર્ગ. પરંતુ આ માર્ગમાં આપણને આત્યંતિક મુકિત થવામાં, મોક્ષે જતાં કોણ રોકે છે?
મુકિતનાં સાધન માનીને સાધક જે જે કરે છે, એનાથી એને મુક્તિ અનુભવમાં આવતી નથી. કેટ કેટલાં સાધન કર્યા પછી પણ એનું બંધન તૂટતું નથી. એમાં કઈ ભૂલ રહી જાય છે? મોક્ષ માર્ગનાં બાધક-કારણો કયા ક્યા છે? જગતમાં લોકો જે દોષોથી બંધાયેલા છે એવા દોષો, તેમની દ્રષ્ટિમાં આવી શક્તા નથી. તેથી લોકો નિરંતર એવા પ્રકારના દોષોથી બંધાઈને, તે દોષોને પોષણ આપીને મોક્ષમાર્ગથી વિમુખ જ રહ્યા છે.
પૂર્વેના જ્ઞાનીઓ કહી ગયા છે કે ક્રોધ-માન-માયા-લોભ, એનાથી બંધન છે. એ દોષો સંપૂર્ણપણે ખલાસ થયે મુકિત થાય. બધા દોષો ક્રોધ-માન-માયા-લોભમાં સમાય છે, પણ વ્યવહારમાં દોષો કેવા સ્વરૂપે ઉધાડા પડતા હોય છે, અને કેવા સ્વરૂપે થયા કરતા હોય છે? એ તો, જ્ઞાની પુરુષ ફોડ પાડે ત્યારે જ સમજાય.
પ્રસ્તુત ગ્રંથમાં પ્રગટ જ્ઞાનાત્મસ્વરૂપ સંપૂજ્ય દાદાશ્રીની વાણીમાંથી પ્રગટ થયેલા મોક્ષમાર્ગના બાધક કારણોની સુંદર તલસ્પર્શી હૃદયભેદી છણાવટ મોક્ષમાર્ગીઓની સમક્ષ થઈ છે તે અત્રે સંકલિત થાય છે, જે સાધકને પ્રત્યેક પગથિયે પડવામાંથી ઉગારનારું નીવડશે.