Description
તે ભાવનાના આધારે પોતે પૂર્વે બુદ્ધિના આશયમાં કંઈક એવું માગીને આવેલા હશે, કે એવો ધંધો જોઈએ છે કે જેમાં બધી જ જાતના સંસાર વ્યવહારના અનુભવો થાય કે જે સામાન્ય માણસ અનુભવતો હોય. તે એવો જ કન્ટ્રાક્ટનો નંગોડ ધંધો એમને ભેગો થયો. જેમાં મજૂરથી માંડી મોટા પ્રધાનો, પ્રેસિડન્ટો, કોન્ટ્રાક્ટરો, શેઠિયાઓ, એન્જિનિયરો, મોટા ઑફિસરો બધા જ ભેગા થાય. સાથે સાથે જૂઠા, ઊંધું બોલનારા, છેતરનારા, પોલીસવાળા, એવા જાતજાતના લોકો પણ ભેગા થાય. એ બધા સાથે વ્યવહાર કરવાનો અને રાગ-દ્વેષ નહીં કરવાના. દરેકની પ્રકૃતિ ઓળખી એડજસ્ટમેન્ટ લેવા પડે. તે આવા બધા અનુભવો લઈને તે અનુભવોનો નિચોડ જગતને આપી શક્યા.જગતના લોકોની રોજબરોજની મૂંઝવણો જેમ કે ઉઘરાણી પાછી ના આવે, ધંધામાં ખોટ આવે, ભાગીદાર વિશ્વાસઘાત કરે, ભાગીદાર સાથે વિવિધ એડજસ્ટમેન્ટ લેવા પડેઆવા વિધ વિધ સંયોગોની હારમાળમાંથી દાદાશ્રી પોતે વીતરાગભાવે પસાર થયા હતા. જ્યારે આ જ બધા વ્યવહારોમાં જગતના લોકો અજ્ઞાનતાથી રાગ-દ્વેષ કરી દુઃખી થાય અને કર્મ બાંધે. જ્યારે પોતે એ જ બધા વ્યવહારમાં જ્ઞાનપૂર્વક રહી, સાચી સમજણ ગોઠવી, કેવી રીતે સંસારવ્યવહાર પૂરો કરી અને અંદર પોતે વીતરાગતામાં રહી શક્યા, એનું વિવરણ જ્ઞાની પુરુષ ભાગ-૩ ગ્રંથમાં મળે છે! દાદાશ્રીના અંતર આશયના ફોડ, એમની આંતરિક દશાની સમજણ, સીમિત ન રહેતા સહુ કોઈને સુલભ થાય અને વાંચનારના હૃદય સુધી સ્પર્શી તે રૂપ થવાની શ્રેણીઓ ચઢાવે એવો નમ્ર પ્રયાસ અહીં કરવામાં આવ્યો છે.